ખુલ્લી આંખે જોઈ રહ્યો,
મારો દરિયો સરકી ચાલ્યો રે, છાતીમાં આ રેત ઘૂઘવટો
હૈયા સરસો સાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે !
વાસંતી એક સાંજ પરોવી સંબંધાયા સાવ અમસ્તું,
નામ પૂછો તો મૌન રહું,
ને રોમ રોમમાં ગમતું ગમતું. મહેક થયો'તો મનગમતી ને ફોરમ થઈને ફાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે..!
સાવ અચાનક ઓટ થઈને
મોજું ચાલ્યું રમતું રમતું,
પગલું મારું પાણી પોચું,
પડે પડે ને ત્યાજ ઉપડતું. મનનો માનેલો મહેરામણ હાથથી મારે હાલ્યો રે..
લોક કહે હું મ્હાલ્યો રે !
પાંપણમાં બપ્પોરી સુરજ
ભડભડ બળતો આંજ્યો રે,
ઘેન ગુલાબી અંધકારને અજવાલાએ માંજ્યો રે.
આજ ફરી કેવડિયો કાંટો
રુદિયે મારે સાલ્યો રે.
લોક કહે હું મ્હાલ્યો રે !
No comments:
Post a Comment